ઉષાકાળે તોરણ

વડનગર ભારતના ગુજરાત રાજ્યમાં સ્થિત એક પ્રાચીન નગર છે. તેનો જ્ઞાત ઇતિહાસ ઇ.સ. પૂર્વે ૨,૫૦૦ વર્ષ પુરાણો છે. પુરાતત્ત્વીય સંશોધનોએ પ્રસ્થાપિત કર્યું છે કે આ સ્થળે આજથી સાડા-ચાર હજાર વર્ષ પૂર્વે મુખ્યત્વે ખેતી કરતો માનવ સમાજ વસતો હતો. અત્યારના શર્મિષ્ઠા સરોવરની ફરતે વિભિન્ન સ્થળે થયેલા ખોદકામમાંથી માટીનાં વાસણો, કાપડના અવશેષો, ઘરેણાં, હથિયારો, વગેરે મળી આવ્યાં છે. કેટલાક પુરાતત્ત્વવિદો સૂચવે છે કે આ પણ એક હરપ્પન વસાહત હતી.



શર્મિષ્ઠાનો સૂર્યોદય

શરુઆતમાં તો અરવલ્લીની પર્વત્માળાઓમાંથી નીક્ળતી કપિલા નદીને તીરે માનવ વસવાટ થયો હશે. કપિલા નદીના પાણીથી શર્મિષ્ઠા સરોવર ભરાતું હતું. ધીમે ધીમે માનવ વસવાટ સરોવરની ફરતે ફેલાયો. કાળક્રમે આ માનવ વસવાટમાંથી એક ખાસ્સું મોટું નગર ઊભું થઇ ગયું.



વર્તમાન શહેર એક ઊંચા ટેકરા પર

વર્તમાન શહેર જાણે કે એક ઊંચી ટેકરી પર વસેલું હોય તેમ લાગે છે. લગભગ સાતથી ત્રીસ મીટરની ઊંચાઇની દેખાતી એવી આ ટેકરી કોઇ કુદરતી ટેકરી નથી, પરંતુ એક માનવસર્જીત ટેકરો છે. અગાઉનાં વર્ષોમાં અહીં બંધાયેલાં અને વિનાશ પામેલાં મકાનોના અવશેષોના એક પછી એક એમ કેટલાયે થરો વડે આ ટેકરો રચાયો છે. વર્તમાન સમયમાં થયેલા પુરાતત્વીય ખોદકામમાંથી તેમજ કોઇ નવા મકાનના પાયા ખોદતાં જાણવા મળ્યું છે કે, આવા થરો છેક નીચે નગરની આસપાસની ખેતીની જમીનની સપાટી જેટલે સુધી જાય છે. પુરાણા બાંધકામના અવશેષોના બનેલા આ થર નગરના હજારો વર્ષના ખૂબ જ રસપ્રદ ઇતિહાસની વાતો કહે છે.



ચમત્કારપુર - એક જાદુઇ સ્થળ

આજથી ચાર હજાર વર્ષ કરતાં પણ પહેલાં, આ સ્થળનું નામ ચમત્કારપુર હતું. આ નામ કોઢના રોગથી પિડાતા એક રાજાએ પાડ્યું હતું. આ સ્થળે આવેલા શક્તિતીર્થના પાણીમાં સ્નાન કરવાથી તેનો કોઢ મટી ગયો હતો. પોતાનો રોગ મટી જવાને કારણે ઉપકારવશ રાજાએ આ નગરની પુનઃરચના કરાવી. તેણે નગરમાં સુંદર મંદિરો અને ભવ્ય મહેલો બંધાવ્યા. ચમત્કારપુર "વેદોના જ્ઞાતા" ગણાતા એવા યાજ્ઞવલ્ક્ય ઋષીનું જન્મસ્થળ હતું. તેમના ઉપરાંત, અન્ય ઘણા વિદ્વાનો અહીં વસતા હતા. આ નગર વિદ્યાના ધામ તરીકેની ખ્યાતિ પામ્યું હતું.


સપ્તર્ષિ


સપ્તર્ષિ એ શર્મિષ્ઠા સરોવરની પૂર્વે આવેલા એક તળાવના ઓવારાનું નામ છે. તેને લોકો “સપ્તર્ષિના આરા” તરીકે પણ ઓળખે છે. જે કપિલા નદીના પાણીથી શર્મિષ્ઠા ભરાય છે, તે જ કપિલા આ તળાવમાં પણ પાણી ઠાલવે છે. તળાવ “વિશ્વામિત્રી”ના નામે જાણીતું છે. ભૂતકાળમાં આ તળાવની ફરતે સુંદર મહાલયો અને દેવાલયો હતાં. તળાવ ચોમેર સુંદર કોતરણીવાળા પત્થરોના ઓવારાથી શોભાયમાન હતું. આજે તો આ બધાના થોડાક જ અવશેષો બચ્યા છે, પરંતુ તે ઉચ્ચ કક્ષાનાં પુરાણાં શિલ્પોની સાક્ષી પૂરે છે. વડનગરમાં અત્યારે જોવા મળતા પ્રાચીન અવશેષોમાં, નિઃશંકપણે આ પાચીનતમ છે. એમ માનવામાં આવે છે કે, આ જગ્યાએ પુરાણ-પ્રસિધ્ધ યાજ્ઞવલ્ક્ય ઋષિનો આશ્રમ આવેલો હતો. તેમના પુત્ર કાત્યાયન પણ મોટા ઋષિ તરીકે પ્રખ્યાતી પામ્યા હતા અને તેમણે અહીં “વાસ્તુપદ” અને “મહાગણપતી” નામનાં બે ભવ્ય મંદિરો બંધાવ્યાં હતાં.



આનર્ત પ્રદેશની રાજધાની

મહાભારત કાળ પૂર્વેના સમયમાં આજનો ગુજરાત પ્રદેશ 'આનર્ત પ્રદેશ' તરીકે ઓળખાતો હતો; અને આજનું વડનગર હતું તેની રાજધાની 'આનર્તપુર'. આનર્તપુરની ખ્યાતિ ચારે તરફ ફેલાયેલી હતી. તે વ્યાપાર અને ઉદ્યોગનું મોટું કેન્દ્ર હતું. અહીં કલા, સંગીત, નૃત્ય, અને વાસ્તુકલાનો ખૂબ વિકાસ થયો હતો. હરેક પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું અહીં પાલન-પોષણ થતું હતું. આ નગર એક મોટા વિદ્યાધામ તરીકે વિખ્યાત બન્યું હતું. મહાભારતના યુદ્ધની તરત જ પહેલાંના સમયમાં તો આ નગર તેની ભવ્યતાની ચરમ સીમાએ પહોંચ્યું હતું.



મહાભારતના યુદ્ધમાં આનર્ત યોદ્ધાઓ

મહાકાવ્ય 'મહાભારત'માં આનર્તનો સંદર્ભ અનેક જગ્યાએ જોવા મળે છે. તે મહા-યુદ્ધમાં ઘણા આનર્ત યોદ્ધાઓ પાંડવો અને ઘણા કૌરવોના પક્ષે રહીને લડ્યા હતા. આનર્તોનો સરદાર સત્યકી, કે જે એક મહાન યોદ્ધો હતો તે, પાંડવોના સૈન્યમાં એક સેનાપતિ હતો. બીજી તરફ, કૃતવર્મા નામનો મહાન આનર્ત યોદ્ધા કૌરવોના સૈન્યમાં એક સેનાપતિ હતો. આ મહાસંગ્રામમાં એટલા બધા આનર્ત યોદ્ધાઓ હણાઇ ગયા કે ત્યારબાદ આનર્તોનું સૈન્ય બહુ નિર્બળ થઇ ગયું. ધીમે ધીમે તેનો આ પ્રદેશ પરનો પ્રભાવ ઓછો થતો ચાલ્યો અને આનર્તપુરનું રાજકીય આધિપત્ય ઘટવા માંડ્યું.

મહાન સાંસ્કૃતિક કેન્દ્ર

મહાભારતના સમય પછી આનર્તપુરનું રાજકીય મહત્વ ભલે ઘટતું ગયું, પરંતુ તેનું સાંસ્કૃતિક સ્થાન તો ઘણું મજબૂત જ રહ્યું. ઇસવીસનની પહેલી સદીમાં આ નગર ઉદ્યોગ અને વેપારનું મહત્વપૂર્ણ સ્થળ હતું. આને લીધે તેની આર્થિક સમૃદ્ધિ એટલી બધી હતી કે નગરના લોકો ખૂબ આનંદિત રહેતા હતા. અહીં હંમેશાં ભરપૂરપણે તહેવારો અને ઉત્સવો ઉજવાતા રહેતા. અહીં સંગીતકારો, નૃત્યકારો, અને અન્ય કલાકારોને ખૂબ સન્માન અને ધન મળતું હતું. સમગ્ર પ્રદેશમાં આ નગર ઉત્સવો અને આનંદના નગર તરીકે ઓળખાવા લાગ્યું. અને ધીમે ધીમે તેનું નામ જ બદલાઇને 'આનંદપુર' થઇ ગયું.



યુનાની (Greek) અનુસંધાન

ઇસવીસન પૂર્વે ૩૨૫ માં મેસિડોનિયાનો સિકંદર, કે જે 'મહાન સિકંદર'ના નામથી જાણીતો છે તે, પોતાની સેના લઇને ભારત તરફ આગળ વધ્યો. તેણે ભારત પર હુમલો કરીને આખું પશ્ચિમ ભારત જીતી લીધું. પરંતુ ત્યારપછી તે આગળ વધી શક્યો નહીં. ભારતથી પોતાના વતન યુનાન (Greece) પાછા વળતાં તે ભારતમાં પોતાના પ્રતિનિધિ મૂકતો ગયો. તેની સેનાના કેટલાયે સૈનિકો, નાચગાન કરવાવાળા, કારીગરો, વગેરે લોકો યૂનાન પાછા જતાં પડનારી મુશ્કેલીઓ સહન કરવા તૈયાર નહોતા. આ બધા લોકોને ભારતમાં જ રહી પડવાનું યોગ્ય લાગ્યું. આવા ઘણા બધા યૂનાનીઓ કચ્છના રસ્તે થઇ આનર્તપુર આવ્યા, કેમકે આ નગર જ સમગ્ર પ્રદેશમાં સૌથી વધારે સમૃધ્ધ ગણાતું હતું અને તેમને આકર્ષી શકે તેવું હતું. યુનાનીઓ ગૌરવર્ણા હતા, તેઓ પોતાના દેશમાં નગરવાસી હતા, અને અનેક દેવ-દેવીઓના પૂજક હતા. તેમનો આનર્તપુરના નગરજનોએ સહેલાઇથી સ્વીકાર કરી લીધો. આ યૂનાનીઓમાં પુરુષો વધારે અને સ્ત્રીઓ ઓછી સંખ્યામાં હતી, એટલે કેટલાયે યુનાની પુરુષો આ નગરની સ્ત્રીઓને પરણ્યા અને ઘણી યુનાની કુંવારી સ્ત્રીઓ નગરના સમૃધ્ધ પુરુષોને પરણી. એક એવી માન્યતા છે કે આમાંથી જ 'નાગર' જ્ઞાતિ ઉત્પન્ન થઇ. વર્તમાન સમયમાં થયેલા પુરાતત્વીય ખોદકામમાંથી યુનાનમાં બનેલી કેટલીક વસ્તુઓના અવશેષો મળી આવ્યા છે. હવે તો આ નગરનું યુનાની અનુસંધાન હતું તેવી માન્યતા વધારે દ્રઢ બની છે.





સન ૬૩૨ માં આ નગર

સાતમી સદીમાં મહાન ચીની મુસાફર હ્યુએન-સંગ તેની ભારત-યાત્રા દરમિયાન બે વાર વડનગર આવ્યો. તે વખતે આ નગર આનંદપુર

તરીકે ઓળખાતું હતું. સન ૬૨૭ માં હ્યુએન-સંગ ચીનના ઉત્તર-પૂર્વ છેડેથી નિકળીને દૂર-સુદૂર આવેલા ભારત જવા માટે રવાના થયો અને ભારતમાં સોળ વર્ષ ગાળીને સન ૬૪૩ માં સ્વદેશ પાછો ફર્યો. સમય અને અંતરની દૃષ્ટિએ તે એક ખૂબ જ લાંબી અને કઠણ યાત્રા હતી. હ્યુએન-સંગ પોતાની યાત્રાનું સવિસ્તર વૃત્તાંત લખી રાખતો હતો અને ભારતમાંથી તેણે પુસ્તકોનો મોટો સંગ્રહ કર્યો હતો. અત્યારના પશ્ચિમ ભારતના રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા સમગ્ર પ્રદેશની તેણે વિસ્તૃત યાત્રા કરી હતી. તેણે જે નગરોની મુલાકાત લીધી હતી તેમાં આનંદપુર, વલ્લભી, ઉજ્જૈન, અને ભરુચનો પણ સમાવેશ થતો હતો.

હ્યુએન-સંગે આનંદપુર પર એક અલગ પ્રકરણ લખ્યું છે. આનંદપુર વિષે તે લખે છેઃ
"આ દેશનો પરિઘ લગભગ ૨૦૦૦ લિ. અને રાજધાની ૨૦ લિ. છે. વસતિ ઘણી છે; આવાસો ધનાઢ્ય છે. અહીં કોઇ મુખ્ય નરેશ નથી, પરંતુ આ માળવાના અધિકાર નીચે છે. તેની ઉપજ, જળવાયુ, સાહિત્ય, અને કાયદા માળવા જેવા જ છે. અહીં લગભગ દસ સંઘારામ છે અને તેમાં લગભગ ૧૦૦૦ હજાર ભિખ્ખુઓ રહે છે; તેઓ હિનયાન પંથની સમ્મતિયા પ્રશાખાનો અભ્યાસ કરે છે. અહીં કેટલાક દશકની સંખ્યામાં મંદિરો છે અને વિભિન્ન સાંપ્રદાયિક ભાવનાવાળા લોકો વારંવાર ત્યાં જાય છે. વલ્લભીથી પશ્ચિમમાં લગભગ ૫૦૦ લિ. જતાં, અમે સૌરાષ્ટ્રના પ્રદેશમાં આવીએ છીએ."
[Ref: SIYUKI: BUDDHIST RECORDS OF THE WESTERN WORLD, First edition: London 1884, Reprint: Delhi,1981, 1994, By Samuel Beal, Motilal Banarasidas Publishers]



જૈન ધર્મ પ્રચલિત બન્યો

બૌદ્ધ અને જૈન ધર્મ લગભગ એકસાથે વડનગરમાં આવ્યા હતા. પરંતુ, જેમ ભારતના અન્ય પ્રદેશોમાં થયું તેમ, આઠમી સદી પછી અહીંથી પણ બૌદ્ધ ધર્મ લુપ્ત થઈ ગયો; અને આ નગરમાં જૈન ધર્મ સમૃદ્ધ થવા માંડ્યો. આ શાંતિ અને સમૃદ્ધિનો સમય હતો. આ નગરમાં હરેક પ્રકારની ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તીઓ ધમધમતી રહીઃ કાપડનું ઉત્પાદન, કાપડ પર છાપકામ અને રંગાટીકામ, તાંબા-પીત્તળનાં વાસણો બનાવવા, ખેતીવાડીનાં ઓજારો, બળદગાડાં બનાવવા, પત્થર અને લાકડાનું શિલ્પકામ, અને અન્ય કેટલાયે ઉદ્યોગો. નગરનાં બજારો આસપાસના તેમજ દૂરના વિસ્તારોમાંથી આવતા ખરીદદારોથી ભરેલાં રહેતાં હતાં. અહીંના વેપારીઓ શ્રીમંત અને ખુશહાલ હતા.

માળવાનું આક્રમણ

થોડાક જ સમયમાં આ નગરની સંપત્તિ અને સમૃદ્ધિથી માળવાના નરેશો આકર્ષાયા. તેમણે નગર ઉપર હૂમલો કર્યો અને તેના ઉપર પોતાનો અધિકાર જમાવી દીધો. માળવાના શાષકોએ આ નગરનું ભરપૂર શોષણ કર્યું. તેના લોકોની સુખાકારી ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં. માળવાના શાષકો માટે આ નગર માળવાના રાજ્ય માટે રાજસ્વ (કરવેરા) મેળવવા માટેનું એક સરહદી શહેર માત્ર બની રહ્યું.

સોલંકીઓએ કિલ્લાબંધી કરી

આનર્ત રાજ્યની અવનતિ થયા પછી, પાટણ ગુજરાતની રાજધાની બન્યું. સન ૭૪૫ માં વનરાજ ચાવડાએ તેની સ્થાપના કરી. તેનો ઘણો વિકાસ થયો અને ૯૪૨ થી ૧૨૪૪ ના સમયગાળામાં સોલંકી શાસકોના સત્તાકાળમાં તે સમૃદ્ધિની ચરમસીમાએ પહોંચ્યું. સમગ્ર પશ્ચિમ ભારતમાં તેની સંપત્તિ અને સભ્યતાની બરાબરી કરી શકે તેવું એક પણ શહેર નહોતું. સોલંકીઓએ વડનગર અને તેની આસપાસના પ્રદેશમાંથી માળવાના શાસકોને મારી હટાવ્યા. આ નગરનું મૂલ્ય સોલંકી શાસકો સમજતા હતા, અને તેથી સન ૧૧૫૨ માં કુમારપાળે શહેરની ફરતેનો કિલ્લો નવેસરથી બનાવડાવ્યો. લગભગ તેરમી સદીના અંત સુધી સોલંકીઓના આધિપત્ય નીચે આ શહેર ઘણું સુરક્ષિત રહ્યું અને તેના વ્યાપાર-ઉદ્યોગનો વિકાસ થતો રહ્યો. લગભગ ચાર સદીઓ સુધી સોલંકી નરેશોના અધિકાર નીચે ગુજરાત એટલું તો સમૃધ્ધ થયું કે ઇતિહાસકારો તેને ગુજરાતનો "સુવર્ણ કાળ" કહે છે. આ સમય દરમિયાન ગુજરાતની સાથે સાથે વડનગરે પણ શાંતિ અને સમૃધ્ધિનો અનુભવ કર્યો. આ સમયમાં તેની ચારે તરફ ઘણાં બધાં નાનાં-મોટાં મંદિરો, ભવનો, નિવાસસ્થાનો, બજારો, અને લોકોની સુવિધાઓ માટે કૂવા, કુંડ, વાવ, તળાવ, માર્ગ અને ધર્મશાળાઓનું નિર્માણ થયું.



તોરણ અથવા વિજયસ્તંભ

તોરણ અથવા વિજયસ્તંભ વડનગરનાં બે મુખ્ય ઐતિહાસિક સ્મારકો છે. લાલ પત્થર પર કલાત્મક બારીક શિલ્પકામ કરીને બનાવેલાં આ તોરણો તેર મીટર ઊંચાં છે. તેમની કમાન એક સળંગ પત્થરમાંથી ઘડી કઢાયેલી છે. તોરણોની રચના સોલંકી રાજાઓના સમયમાં દસમી શતાબ્દિમાં થઈ હોવાનું અનુમાન છે. શર્મિષ્ઠા સરોવરના પશ્ચિમ કિનારા પર ઊભેલા આ બંને વિજયસ્તંભો ઉત્તર-પૂર્વના આક્રમણખોરો પરના વિજયના પ્રતિકરુપે ઊભા કર્યા હોય તેમ માનવામાં આવે છે. પરંતુ તેમની આસપાસ બીજી ઘણી કથાઓ ગૂંથાયેલી છે.



તોરણનું રહસ્ય
કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, વાસ્તવમાં આ તોરણો કોઈ મોટા રાજભવન અથવા મંદિરના અવશેષો છે. તે પ્રવેશદ્વાર જેવા વધારે દેખાય છે. મોટે ભાગે એવું સંભવ છે કે આજે તેઓ જે જ્ગ્યાએ ઊભા છે તે તેમની મૂળ જગ્યા ન પણ હોય. એ વાતનું કોઇ સ્પષ્ટિકરણ નથી કે એકબીજાની તદ્દન નજીક આવી અવ્યવસ્થિત રીતે તે કેમ ઊભેલા છે. વળી, તેમની આસપાસ અન્ય કોઇ પુરાતન અવશેષો પણ નથી. કદાચિત એવું તો નથી ને કે અન્ય કોઇ સ્થળેથી ઉખાડીને તેમને અહીં ગોઠવવામાં આવ્યા છે? જ્યાંથી શર્મિષ્ઠા સરોવરમાં પાણી ભરાય છે તે નાગધરાના કુંડ અને તોરણો વચ્ચે આવેલા સમગ્ર ભાગમાં કૃત્રિમ અનિયમિત આકારના ટેકરા આવેલા છે. થોડાંક જ વર્ષો પહેલાં આ સમગ્ર વિસ્તારમાં પત્થરનાં ઘણાં ખંડેરો આવેલાં હતાં. લગભગ સન ૧૯૬૦ સુધી અહીં નકશીદાર પત્થરોની મોટી મોટી શીલાઓ અને અનેક નાની-મોટી મૂર્તિઓ વિખરાયેલી પડેલી જોવા મળતી હતી. આજે તો એ બધું અહીંથી ગાયબ થઇ ગયું જણાય છે. પરંતુ, જો અહીં વ્યવસ્થિત રીતે ખોદકામ હાથ ધરવામાં આવે તો કદાચ આ આખો વિસ્તાર ઘણું બધું રહસ્ય ખુલ્લું કરી બતાવે.



કિલ્લો અને છ દરવાજા

સન ૧૧૫૩ માં સોલંકી નરેશ કુમારપાળે બંધાવેલો છ દરવાજા સાથેનો એક રક્ષણાત્મક કિલ્લો સમગ્ર પુરાણા નગરની ફરતે હતો. શર્મિષ્ઠા સરોવરના કિનારે પૂર્વ દિશા સંમુખ ઉભેલા, અર્જુનબારી દરવાજાની અંદરની દિવાલે આવેલી પત્થરમાં કોતરેલી તકતી આ વાતનું પ્રમાણ પુરુ પાડે છે. આજે તો કિલ્લાની મોટા ભાગની દિવાલ નાશ પામેલી છે, પરંતુ છમાંથી પાંચ દરવાજા લગભગ અખંડ ઉભા છે. દરેક દરવાજો જુદી જુદી પરિક્લ્પના (ડિઝાઇન) ધરાવે છે અને એક ઉચ્ચ કોટિની કારીગરીનો નમૂનો પુરો પાડે છે. તાજેતરના પુરાતત્વીય ખોદકામમાંથી એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે આ કિલ્લાની ફરતે પાણીની ખાઇ પણ હતી. ગુજરાતના ઇતિહાસનો આ એવો સમય હતો કે જ્યારે સોલંકી યુગનો સૂર્ય મધ્યાન્હે તપતો હતો. પાટણની પ્રભુસત્તા નીચે રાજ્યની સીમાઓ ખૂબ વિસ્તરેલી હતી. માળવાના રાજકર્તાઓને ગુજરાતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વડનગર પુરેપુરુ સુરક્ષિત હતું અને નગરની પ્રજા સુખ-શાંતિમાં રહેતી હતી.

મંદિરોનું નગર

વડનગર હંમેશાં મંદિરોનું નગર રહ્યું છે. અહીં ઘણા દેવી-દેવતાઓનાં અનેક નાનાં-મોટાં મંદિરો છે. આમાંનાં કેટલાંક ઘણાં પુરાણાં છે, તો કેટલાંક નવાં બનેલાં પણ છે.



નગરમાં બે મોટાં મંદિર-સંકુલ છે - અમથેર માતા અને હાટકેશ્વર. બંને લાલ અને પીળા પત્થરોથી બનેલાં છે. તેમનાં શિલ્પ અત્યંત સુંદર છે. અમથેર માતા સંકુલ તેના સૂર્ય મંદિરને લઇને વિશેષ મહત્વ ધરાવે છે, જો કે તે મોઢેરાના સૂર્ય મંદિર કરતાં ઘણું નાનું છે.



હાટકેશ્વર મંદિરનું નિર્માણ શાસ્ત્રીય શૈલીમાં થયેલું છે. મંદિરનું મુખ પૂર્વમાં છે, પરંતુ તેનાં દ્વાર પૂર્વ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પણ છે. ત્રણે દ્વાર આપણને એક મોટા ગુંબજવાળા, હવાદાર, વિશાળ મધ્યસ્થ ખંડમાં લઇ જાય છે. આ મધ્યસ્થ કક્ષની પશ્ચિમમાં ખરું મંદિર અથવા ગર્ભગૃહ છે. તેની ફર્શ મધ્યસ્થ કક્ષ કરતાં થોડાં પગથિયાં નીચે છે. અને અહીં જ વિખ્યાત શિવલિંગ આવેલું છે. તેના બરાબર ઉપર ઘણે ઊંચે મંદિરનું શિખર છે. આખું મંદિર ઉત્કૃષ્ટ શિલ્પ અને પ્રતિમાઓથી ભરેલું છે. બહાર અને અંદરની દિવાલો તેમજ અંદરની છત પર પુરાણ, રામાયણ, મહાભારત, અને અન્ય ધર્મગ્રંથોની કથાઓનાં દૃષ્યોને સાકાર કરતાં સંખ્યાબંધ શિલ્પો આવેલાં છે. મંદિરમાં શિલ્પ વિનાની કોઇ જગ્યા દેખાતી જ નથી. આ વિભૂષિત શિલ્પો જ હાટકેશ્વરને અન્ય મંદિરોથી જુદું પાડે છે.

દિલ્હી સલ્તનત આક્રમણ કરે છે

લગભગ ચાર સદીઓની શાંતિ બાદ ચૌદમી સદીની શરુઆતમાં વડનગર ઉપર આપદા આવી પડી. ગુજરાતની સંપત્તિથી આકર્ષાઇને દિલ્હી સલ્તનતે પોતાના સૈન્યને ગુજરાત તરફ કૂચ કરવા હુકમ કર્યો. સોલંકીઓની રાજધાની પાટણ તેમનું અંતિમ લક્ષ હતું, પરંતુ તેમના રસ્તામાં પહેલાં વડનગર આવતું હતું અને તેની જાહોજલાલી પણ મશહૂર હતી. વડનગર પહોંચતાં જ સલ્તનતના સૈન્યે નગર પર હુમલો કરી દીધો, તેને લૂંટ્યું, સળગાવી દીધું, અને તેના નાગરિકોની બેરહમ કતલ કરી. નગરનો મજબૂત કિલ્લો કોઇ કામ ન આવ્યો, કેમકે શહેરના રક્ષણ માટે ત્યાં કોઇ સેના હતી જ નહીં. સન ૧૩૦૪ માં દિલ્હી સલ્તનતે આખા ગુજરાત પર અધિકાર જમાવી દીધો. શરુઆતમાં તો પાટણ તેના સૂબાનું મુખ્ય શહેર રહ્યું, પરંતુ સન ૧૪૧૧ માં સુલતાન અહમદશાહે અમદાવાદને પોતાની રાજધાની બનાવી. હવે વડનગરનું તો કોઇ રાજકીય મહત્વ રહ્યું જ નહીં. આમછતાં, સુલતાનોના શાસન દરમિયાન ગુજરાતમાં શાંતિ જળવાઇ રહી, અને વડનગર તેની આર્થિક પ્રવૃત્તિઓને કારણે વિનાશમાંથી ફરીથી બેઠું થવા માંડ્યું. વ્યાપાર અને કારોબાર નવેસરથી ચાલવા લાગ્યા. ઉદ્યોગોએ તેજી પકડી. એકવાર ફરીથી તે સમૃધ્ધ થયું અને અહીં કલા તથા સંસ્કૃતિનું પોષણ થયું.



તાના-રીરીની વાત

તાના-રીરીની વાત તાનસેન સાથે સંકળાયેલી છે. ભારત પર સન ૧૫૨૬ થી ૧૬૦૫ સુધી રાજ્ય કરનાર મહાન મોગલ સમ્રાટ અકબરના દરબારમાં તાનસેન મુખ્ય ગવૈયો હતો. વડનગરની તાના અને રીરી નામની બે સગી બહેનો રાગ મલ્હાર તેના શુધ્ધ સ્વરુપમાં કેવી રીતે ગાવો તે જાણતી હતી. જ્યારે રાગ મલ્હાર આવી રીતે ગવાય ત્યારે તેનામાં વરસાદ વરસાવવાની શક્તિ હોય છે તેમ મનાય છે. જ્યારે અકબર બાદશાહના હુકમથી તાનસેને જેનામાં અગ્નિ પ્રજ્વલિત કરવાની શક્તિ રહેલી છે તે દીપક રાગ ગાયો, ત્યારે મહેલના દીવા તો સળગી ઉઠ્યા પણ સાથે સાથે તાનસેનનું શરીર પણ જાણે આગથી બળું બળું થઇ ઉઠ્યું. પોતાના તનની અંદર લાગેલી આગને શાંત પડવાનો એક માત્ર ઉપાય શુધ્ધ રીતે ગવાયેલો મલ્હાર સાંભળવો તે જ હતો. અકબરના દરબારમાં તો શુધ્ધ મલ્હાર ગાનાર કોઇ ગવૈયો હતો નહીં. આખા દેશમાં ભટકતો તાનસેન છેવટે તાના-રીરીની ખ્યાતિ સાંભળીને વડનગર આવ્યો; અને મધ્યયુગીન વડનગરના ઇતિહાસની એક અત્યંત રોચક કરુણાંતિકા સર્જાઇ. તાના-રીરીની આખી વાત વાંચવા માટે અહીં ક્લિક કરો.



વારંવારના ધ્વંસનો સમયગાળો

વડનગરની સમૃધ્ધિ અલ્પજીવી નિવડી, કેમકે તેનાથી વધારે ને વધારે હુમલાખોરો આકર્ષાયા. હવે, મરાઠાઓએ તેની બરબાદી કરી. સન ૧૭૨૬ માં કંદાજી કદમ બાંડે નામના મરાઠા સરદારે તેના પર હુમલો કર્યો. તે તેના સૈન્ય સાથે નગર પર હલ્લો કરી લૂંટફાટ કરી અને આતંક મચાવીને જ ન અટક્યો, તેણે તો આખું શહેર જ બાળીને ભસ્મીભૂત કરી દીધું. આ વખતે શહેરના ઘણા નાગરીકો જીવ બચાવવા નાસી છૂટ્યા. જે લોકો ત્યાં રહ્યા તેમાંના ઘણાને ક્રૂરતાપૂર્વક મારી નાંખવામાં આવ્યા. આ હુમલાને માંડ નવ વર્ષ થયાં હતાં ત્યાં તો ૧૭૩૫ માં બીજો મરાઠા સરદાર કંદાજી હોલકર નગર પર ચઢી આવ્યો અને લૂંટ ચલાવી ગયો. હજુ તો બે વર્ષ પણ ગયાં નથી ત્યાં ૧૭૩૭ માં વળી એક ત્રીજો મરાઠા સરદાર દામાજી ગાયકવાડ કે જે વડોદરાના પ્રતાપ રાવનો ભાઇ થતો હતો તે જે કંઇ બચ્યું હતું તે પણ લૂંટી ગયો. ફક્ત અગિયાર વર્ષના ટૂંકા ગાળામાં થયેલા આ ત્રણ નિર્દયી હુમલાને કારણે શહેર ખલાસ થઇ ગયું. આગ, ભાંગફોડ, લૂંટફાટ, અને નાગરીકોની બેરહમ કતલને કારણે નગર ખંડેર અને ઉજ્જડ થઈ ગયું. હવે, અહીં કોઇ ઉચ્ચવર્ગીય નાગરીકો રહ્યા જ નહીં. આ વિનાશમાંથી નગર ક્યારેય ફરીથી ઊભું થઈ શક્યું નહિં. આજનું વડનગર મરાઠા સૈન્યો તેમની પાછળ જે ખંડેરો છોડી ગયા હતા તેના પર ઉતાવળે અને બિનઅયોજનપૂર્વક બંઘાયેલું નગર છે.

આધુનિકીકરણની પ્રક્રિયા

પ્રાચીન સમયથી વડનગર વિદ્યાનું ધામ રહ્યું છે. ગુજરાતમાં સોલંકી શાસનનો અંત આવ્યા પછી, મોટા ભાગનાં પ્રાચીન વિદ્યાધામોનો નાશ કરવામાં આવ્યો અથવા તે બળજબરીપૂર્વક બંધ કરી દેવામાં આવ્યાં. તેમછતાં, એકલદોકલ વિદ્વાનો દ્વારા ચાલતી નાની નાની પાઠશાળાઓનું અસ્તિત્વ ચાલુ રહ્યું. તે 'સંસ્કૃત પાઠશાળા'ઓ તરીકે ઓળખાતી હતી. પરંતુ તે બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આકર્ષી શકી નહીં. શિક્ષણનો વ્યાપ જ ઘટીને શૂન્યની નજીક પહોંચી ગયો; તેની ગુણવત્તાની તો વાત જ કરવાની ન રહી. વડનગરમાં પણ આ જ પરિસ્થિતિ હતી. છેવટે, જ્યારે ગુજરાતમાં રાજકીય સ્થિરતા આવી અને વડનગર વડોદરા રાજ્યનો ભાગ બન્યું, ત્યારે તેના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રજાના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેની એક સારી રીતે ઘડેલી યોજના અમલમાં મૂકી.

શિક્ષણ

આ યોજનાથી વડનગરને ખૂબ લાભ થયો. નગરમાં વર્નાક્યુલર ફાઇનલ (આજના સાતમા ધોરણ) સુધીનું શિક્ષણ આપતી કુમારો અને કન્યાઓ માટેની બે અલગ શાળાઓ સ્થાપવામાં આવી.



સન ૧૮૮૮ માં એક મોટું મકાન, કે જે હજુ પણ હયાત છે, કુમાર શાળા માટે અને થોડાં વર્ષો બાદ એક બીજું વિશાળ મકાન કન્યા શાળા માટે નગરના મધ્ય ભાગમાં બાંધવામાં આવ્યું.

થોડાં વર્ષો પછી, ૧૮૯૩ માં રેલ્વે સ્ટેશન પાસે છોકરા અને છોકરીઓની એક મિશ્ર શાળા શરુ કરવામાં આવી. આ શાળા કે જેનું નામ એ. વી. સ્કૂલ (એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ) હતું તે અંગ્રેજી ભાષાના અભ્યાસ ઉપર વધારે ભાર મૂકતા એવા આધુનિક અભ્યાસક્રમનું શિક્ષણ આપતી હતી. આ બધી શાળાઓએ નાગરીકોની એવી પેઢી તૈયાર કરી કે જેણે નગરના વ્યાપાર-ઉદ્યોગને પુનઃ સજીવન કર્યાં.



સ્વાસ્થ્ય

સન ૧૮૮૫ માં રુપિયા ૧૦,૮૯૭ ના ખર્ચે એક સરકારી દવાખાનું, કર્મચારીઓ માટેનાં રહેઠાણો સાથે, બાંધવામાં આવ્યું. તેમાં પ્રસૂતી વિભાગ પણ હતો.



સન ૧૯૪૧ માં શેઠ નટવરલાલ મોતીલાલ વ્યાસે તેમનાં માતુશ્રી શ્રીમતી કીલીબાઇના સ્મરણાર્થે દવાખાનાની બાજુમાં પ્રસૂતી ગૃહ માટે એક અલાયદું આધુનિક મકાન દાનમાં બંધાવી આપ્યું. વીસમી સદીની શરુઆતમાં વડનગર ગુજરાતનાં બહુ થોડાં શહેરોમાંનું એક હતું કે જ્યાં આધુનિક સગવડવાળું અને સારી રીતે ચાલતું તથા વિનામૂલ્યે સેવા આપતું પ્રસૂતીગૃહ હોય. આ પ્રસૂતીગૃહને કારણે વડનગરમાં બાળ-મૃત્યુનું પ્રમાણ બહુ ઓછું હતું. એ જાણવું પણ રસપ્રદ છે કે, દવાખાનાના મુખ્ય તબીબી અધિકારીની ફરજોમાં આ સ્થળના રોજેરોજના હવામાનની નોંધ રાખવાનું કામ પણ સમાવિષ્ટ થતું હતું; અને આને માટે દવાખાનાના પાછળના ભાગમાં તાપમાન તથા વરસાદ માપવાનાં આધુનિક સાધનો ગોઠવવામાં આવ્યાં હતાં.




પુસ્તકાલય

મહારાજા સયાજીરાવ સાચા અર્થમાં પ્રગતિશીલ રાજવી હતા. તેઓ માનતા હતા કે શાળાઓથી નાગરીકો અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરે તેટલું જ પુરતું નથી, મેળવેલા અક્ષરજ્ઞાનનો ઉપયોગ કરીને તેઓ પોતાના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી શકે તે માટે પુસ્તકાલયો પણ જરુરી છે. આને માટે તેમણે શાળાઓની સાથે સાથે સારાં પુસ્તકાલયોના નિભાવ માટે પણ પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી, કે જેથી પ્રજાનું અક્ષરજ્ઞાન એળે ન જાય. સન ૧૯૧૧ માં વડનગરમાં પ્રથમ પુસ્તકાલય મહેતા ભોગીલાલ ચકુલાલે પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે બંધાવ્યું. તેના નિભાવનું તમામ ખર્ચ વડોદરા રાજ્ય ભોગવતું હતું.



સન ૧૯૩૫ માં પુસ્તકાલય માટે એક બીજું વિશાળ ભવ્ય ભવન બાંધવામાં આવ્યું. શ્રી પુરુષોત્તમદાસ નરભેરામ પટેલના ઉદાર દાનથી આ આધુનિક ભવન અસ્તિત્ત્વમાં આવ્યું. મકાનની ટોચે એક ટાવર ઘડિયાળ મૂકવામાં આવેલું અને તેના ટકોરા આખા નગરમાં સંભળાય તેટલા મોટા અવાજે પડતા હતા. ચુંમોતેર વર્ષ સુધી પણ ચાલુ સ્થિતિમાં રહેલું આ ઘડિયાળ, આખરે ૨૦૦૯ માં જ્યારે આખું મકાન જ તુટી પડ્યું ત્યારે નષ્ટ થઈ ગયું.

નગરમાં આવેલાં આ બંને પુસ્તકાલયોને કારણે શાળાઓમાં જે અક્ષરજ્ઞાન મેળવેલું હોય તેનો ઉપયોગ કરીને દેશ અને દુનિયાનું વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાની તક નગરજનોને પુરી પાડી. પુસ્તકાલયના નવા બંધાયેલા મકાનમાં બાળકો અને મહિલાઓ માટે વિશેષ વિભાગો હતા. વળી, આ પુસ્તકાલય નગરના શિક્ષિત લોકો એકઠા થઈને ચર્ચા-વિચારણા કરી શકે અને નગરના વિકાસની યોજનાઓ ઘડી શકે તે માટેનું કેન્દ્ર બની રહ્યું.


શ્રીમતિ કુસુમબેન મયાભાઇ મહેતાનું તેમના સામાજિક કાર્ય માટે સન્માન અને યુવાન વયે શ્રીમતિ મહેતા

આ નવા ભવનમાં એક વિશાળ વાંચનખંડ હતો. અહીં સંખ્યાબંધ દૈનિકો તથા સામયિકો આવતાં અને બધી વયના લોકો મોટી સંખ્યામાં તેનૉ લાભ મેળવતા. ભવનના પહેલા માળે એક મોટો ખંડ મહિલાઓ માટે રાખવામાં આવ્યો હતો. છેક ૧૯૪૦ ના દાયકામાં, કે જ્યારે દેશમાં અન્યત્ર મહિલા પ્રવૃત્તિ નામ માત્રની જોવા મળતી હતી ત્યારે, શ્રીમતી કુસુમબેને અહીં નગરની બહેનો માટે સીવણકામના વર્ગો ચલાવ્યા હતા.



રેલ્વે આવી

સન ૧૯૦૭ સુધીમાં વડનગરમાં રેલ્વે આવી ગઈ હતી તેમ શ્રી જેઠાભાઇ મારફતિયાએ રાખેલી નોંધમાંથી જાણવા મળે છે. રેલ્વેને કારણે વડનગર જેવું નાનકડું શહેર ભારતના અન્ય ભાગો સાથે જોડાઇ ગયું અને વ્યાપાર-વાણીજ્યની વિશાળ તકો ઉઘડી ગઈ.


રેલ્વે સ્ટેશન આગળ શહેરના વેપારીઓ, ૧૯૩૩ રેલ્વે ગોદામ

હવે, વડનગર અને તેની આસપાસના પ્રદેશમાં થતી પેદાશો દુર-સુદૂરનાં સ્થળોએ મોકલવાનું શક્ય બન્યું. તેવી જ રીતે, દેશનાં અન્ય સ્થળોએ થતી પેદાશો વડનગરમાં લાવવાનું સહેલું થઈ ગયું. આને કારણે, આ શહેરમાં વેપાર એકદમ ઝડપથી વિકસ્યો અને તે વિભિન્ન ખેત-પેદાશો તથા ઔદ્યોગિક ચીજ-વસ્તુઓનું મહત્વનું બજાર બની ગયું.


વડનગરના ઇલેક્ટ્રિક પાવર હાઊસનું ખાતમુહૂર્ત, ઓક્ટોબર ૨૭, ૧૯૩૭

વીજળી

સન ૧૯૩૦ ના દાયકાના અંત સુધીમાં તો વડનગરમાં વીજળી આવી ગઈ હતી. વિજળીની બાબતમાં આ નગરના લોકો ભાગ્યશાળી રહ્યા કહેવાય, કેમકે આખા ઉત્તર ગુજરાતમાં એક પાટણ સિવાય અન્ય કોઇ સ્થળે તે વખતે વીજળી નહોતી. આર્થિક વિકાસ માટે વીજળી એક આવશ્યક શરતરુપ ગણાય છે. વીજળીની પછવાડે પછવાડે આધુનિક્તા આવે છે. જ્યારે નગરના કેટલાક લોકો શંકાશીલ અને અન્ય કેટલાક વિરુદ્ધમાં હતા, ત્યારે ઇલેક્ટ્રિક પાવર હાઉસની સ્થાપના કરી વડનગરને વીજળી પૂરી પાડવાની હિંમત કરનાર સાહસવીર હતા શેઠ મયાભાઇ મહેતા.



તેઓ અગમ-દૃષ્ટિ ધરાવનાર આગેવાન હતા. જે વર્ષોમાં તેઓ નગરપાલિકાના પ્રમુખ રહ્યા તે વર્ષોમાં નગરની ઘણી પ્રગતિ થઈ. પુસ્તકાલયનું નવું ભવ્ય મકાન અને તેની પરનું ટાવર-ઘડિયાળ તેમનું જ પ્રદાન હતું. કમનસીબે, વડનગરની ધરતીના આ કાર્યક્ષમ સુપુત્રના અકાળ અવસાનથી નગરની વિકાસયાત્રા કુંઠિત થઈ ગઇ.



ચાળીસના દાયકાની રાષ્ટ્રીયતાની લહેર

સન ૧૯૩૦ અને ૧૯૪૦ ના દાયકાઓમાં, બ્રિટિશરોના આધિપત્યમાંથી દેશને સ્વાતંત્ર્ય તરફ લઈ જવા માટેની ચળવળે પૂરેપૂરું જોર પકડ્યું. વડનગરના ઘણા આગેવાન નાગરીકો પણ રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા. કોઇ પણ જાતના આડંબર કે પ્રસિધ્ધિની ખેવના વગર પોતાનીરાષ્ટ્રીયતાની ભાવનાને નક્કર કાર્યમાં સાકાર કરવી એ સહેલી વાત નથી. ચૂપચાપ આમ કરી બતાવનાર આ ધરતીના સાચા સુપુત્ર હતા શેઠ શ્રી માનચંદદાસ કુબેરદાસ પટેલ.

તેમણે સન ૧૯૪૨ માં શર્મિષ્ઠાના કિનારે અર્જુનબારી દરવાજા પાસે એક એવી શાળા સ્થાપી કે જેનું ધ્યેય ગાંધીજીએ ચીંધેલા માર્ગે આધુનિક રાષ્ટ્રીય શિક્ષણ આપવાનું હતું. આ શાળા તે નવીન સર્વ વિદ્યાલય. આજે તો તે વિકસીને વિજ્ઞાનના શિક્ષણ માટેની એક અગ્રગણ્ય ઉચ્ચતર માધ્યમિક શાળા તરીકે આખા વડનગર પંથકમાં પ્ર્ખ્યાતિ પામી છે.



સન ૧૯૫૦ ના દાયકાની શરુઆતમાં રેલ્વે સ્ટેશન પાસેની એ. વી. સ્કૂલ એક સ્થાનિક સંસ્થાને સોંપી દેવામાં આવી. આ સંસ્થાએ નગરના નાગરીકો પાસેથી સારું એવું ફંડ ઉઘરાવીને શાળા માટે સારી સગવડોવાળું આધુનિક મકાન બંધાવ્યું અને ફક્ત સાત ધોરણ સુધીની જુની શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળા તરીકે વિકસાવી. આજે સામાન્ય પ્રવાહના શિક્ષણ માટેની તે એક અગ્રગણ્ય મિશ્ર-શાળા બની છે.

© વડનગર ૨૦૦૯. સર્વ હક્ક સ્વાધિન. કોઇ પણ પ્રકારની પ્રતિકૃતી માટે અગાઉથી
પરવાનગી મેળવવી આવશ્યક છે. કૃપયા અમારો સંપર્ક અહીં કરોઃ
vadnagar@gmail.com

_________________________________________














































































http://www.webcounterstats.com/details.php?page=60440